દારુ ભરેલ કાર પલટી મારી અને ચાલક મોતને ભેટ્યો

લોકડાઉનની અમલવારી વચ્ચે દારુ આવે છે ક્યાંથી.?

દારુ ભરેલ કાર પલટી મારી અને ચાલક મોતને ભેટ્યો

Mysamachar.in-અતુલ જોશી:મોરબી

મોરબીના માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ જતા ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવ અંગે તજવીજ હાથ ધરી છે, મોરબીમાં ઘણા સમયથી દારૂના જથ્થા પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએથી પકડવામાં આવી રહ્યા છે ત્યારે કોઈ ચોક્કસ ગેંગ દારૂ સપ્લાય માટે સક્રિય થઈ હોવાની પણ લોકોમાં ચર્ચા જાગી છે જેમાં આજે વહેલી સવારના  6 વાગ્યાની આસપાસ વેજલપર-ઘાટીલા રોડ પર ઘાટીલા ગામ નજીક દારૂની બોટલોથી ભરેલી ઇનોવા કાર નં. GJ-18-AB-8047 રોડની સાઈડમાં ઝાડી-ઝાંખરા પાસે અજાણ્યા કારણોસર પલ્ટી ખાઈ ગઈ હતી. આ બનાવમાં હળવદ ખાતે GIDC વિસ્તારમાં રહેતા કારચાલક સુરેશભાઈ હનુમાનરામનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

અકસ્માતના કારણે ભીડ જમા થઇ ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસે મૃતકના મૃતદેહને પી.એમ. માટે માળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દારૂબંધી હોવા છતાં અને સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં કાર ઘાટીલા પાસે પહોંચી કઈ રીતે? એ મોટો પ્રશ્ન છે જો કે ગઈકાલે જ મોરબી તાલુકા પોલીસે પણ મોટો જથ્થો પકડ્યો છે જો કે  હળવદ મોરબી વચ્ચે મોટો દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પણ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે ત્યારે મોડી રાત્રીના વાડીમાં કટીંગ કરી દારૂ વહેંચવામાં આવતું હોવાની વાત પણ લોકોમાં ઉઠવા પામી છે.