પાખંડી ભુવાએ ભારે કરી,૧૩ વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર...

કલ્યાણપુર તાલુકાની ઘટના

પાખંડી ભુવાએ ભારે કરી,૧૩ વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર...
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-કલ્યાણપુર:

આપણે ત્યાં લોકો પોતાના દુઃખદર્દથી કંટાળીને ભૂવાઓ ને શરણે જતા હોય છે,પણ જો કોઈ પાખંડી ભૂવાનો ભેટો થઇ જાય તો..આવું જ બન્યું છે જામકલ્યાણપુર તાલુકાના એક ગામે...જ્યાં હવસખોર ભુવાએ મેલું કાઢવાના નામે એક ૧૩ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવતા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ભૂવાને લોકઅપ ભેગો કર્યો છે,

આ સમગ્ર ઘટનાની જો વાત કરવામા આવે તો  જામકલ્યાણપુર તાલુકા ના એક ગામે દુષ્કર્મનો ભોગ બનનાર બાળકી છેલ્લા ઘણા સમયથી બેચેન રહેતી તેમજ તેણીનું સ્વાસ્થ્ય સારું ના રહેતા ગામમા જ રહેતો ને ભુવા તરીકે કામ કરતાં ભરત સોનગરા પાસે તેણીના માતાપિતા લઇ ગયેલ હતા,જ્યાં ભૂવા તરીકે ઓળખાતો ભરત કરશન સોનગરાએ ગત તા.૧૫ ના રાત્રીના સમયે ભોગ બનનારના કુટુંબીજનોને ગામ માં આવેલ મંદિરે લઇ ગયેલ ત્યારે ભુવાએ થોડીવાર પોતાના ધતિંગ કરીને બાળકીના કુટુંબીજનોને કહેલ કે વિધિ ખેતરમા કરવાની વાત કરી હતી,

પોતે બાળકી સાથે ખેતરમાં વિધિ કરવા જશે અને પરિવારના સભ્યોને એમ જણાવેલ કે તમારે અહી રોકાવાનું ત્યારે કુટુંબીજનોએ પણ સાથે આવવાની વાત કરતાં ભૂવાએ ત્યાં તેના સિવાય કોઈ ના જઈ શકે તેવી વાત કરતાં અંધશ્રદ્ધામા માનતા આ પરિવારે પોતાની બાળકી ને વિધિ કરવા પાપી ભરત સોનગરા સાથે જવા દીધેલ હતી, બાળકીને એકલી આ હેવાન ભૂવા સાથે મોકલ્યા બાદ ખેતરમાં પહોચી ભૂવા ભરત સોનગરા દ્વારા પોતાનુ પાપ પોકારવાનુ શરૂ કર્યુ હતુ,અને આ નરાધમ ભૂવાએ માસૂમ બાળકીને શરીરે ભભૂત ચોપડવાના બહાને કપડા ઉતારવાનું કહેલ જેનો બાળકીએ વિરોધ કરતા ભૂવાએ દેવ નારાજ થશે તેમ કહી ભૂવા ભરત સોનગરા દ્વારા બળજબરીથી બાળકી સાથે કુકર્મ આચરેલ હોવાનું સામે આવ્યું છે,

આટલા થી ના અટકતા આ હવસખોર ભુવાએ બાળકીને ફરી દેવનો ડર બતાવી કોઈને કહીશ તો દેવ ક્રોધાઈમાન થશે અને તારા પરિવાર ઉપર કોપ ઉતારશે તેવું જણાવેલ કુકર્મ કર્યા બાદ ભૂવા ભરત દ્વારા તે બાળકીને તેઓના કુટુંબીજનોને સોપી ટૂંક સમયમાં બધું સારું થઇ જશે તેવું જણાવેલ, પરંતુ આ બનાવ બન્યા બાદથી બાળકી ગુમસુમ રહેવા લગતા આખરે બે દિવસ બાદ બાળકીએ ભૂવા ભરતે તેની સાથે કરેલ તમામ આપવીતી કુટુંબીજનોને વર્ણવતા પીડિતના પરિવારજનો પર પણ જાણે આભ ફાટ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું,

જે બાદ પરિવારે ભારે વિચારણા કરી અને આ રીતે અન્ય માસુમ બાળકીઓ આવા હેવાનનો શિકારના બને તે માટે પરિવારે હિંમત દાખવી સમાજમા રહેલા ઢોંગી હેવાનને ખુલ્લો પાડી દીધો હતો,પરિવારે આ મામલે પાંખડી ભુવા વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.