જામનગર:મહાનગરપાલિકાનું ૬૨૫.૪૦ કરોડનું બજેટ થયું રજૂ 

જાણો બજેટમાં શું છે

જામનગર:મહાનગરપાલિકાનું ૬૨૫.૪૦ કરોડનું બજેટ થયું રજૂ 

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાનું આગામી વર્ષ ૨૦૧૯/૨૦નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુ.કમિશ્નર આર.બી.બારડે સ્ટેંડીંગ કમીટી સમક્ષ રજૂ કર્યું હતું. ૬૨૫.૪૦ કરોડના આ ડ્રાફ્ટ બજેટમાં ૩૭.૬૫ કરોડનો કર વધારો પણ સૂચવવામાં આવ્યો છે. ઉપરાંત આવનાર વર્ષમાં શહેરના વિવિધ વિકાસના કામો અને નવા ભળેલા વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેના પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે,

આજે રજૂ થયેલ બજેટ આવતા સપ્તાહે સ્ટેંડીંગ કમીટીમાં ચર્ચા માટે મૂકવામાં આવશે અને તેમાં કમિશ્નર દ્વારા સૂચવાયેલ લગભગ તમામ કરદરોની બાદબાકી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાસકો માન્ય ન રાખે તેવું પણ લાગી રહ્યું છે.જે બાદ આગામી વર્ષનું બજેટ આખરી મહોર માટે જનરલ બોર્ડ સમક્ષ જશે. પરંતુ આ વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ હોય કોઈ કરવેરામાં કોઈ વધારો થશે નહીં તેવું લાગી રહ્યું છે.

કયા હેડમાં કેટલો સૂચિત વધારો...

૦૧. રહેણાંકની ઇમારતો માટે ૨૫ ચોરસ મીટર સુધીમાં હાલના કરદર ૨૦૦ને બદલે ૩૮૦, ૨૫ થી ૩૦ ચો. મીટરમાં ૨૫૦ ને બદલે ૪૮૦, ૩૦ ચો.મીટર થી ૪૦ ચો.મીટર સુધીમાં ૩૦૦ને બદલે ૬૪૦ નો સૂચિત વધારો કરાયો છે.

૦૨. વોટર ચાર્જિસમાં હાલના દર ૧૦૫૦ને બદલે ૧૨૦૦ કરી અને રૂપિયા ૧૫૦ નો સૂચિત વધારો કરવામાં આવ્યો છે.

૦૩. ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જમાં રહેણાંક માટે હાલનો કરદર ૭૦૦ને બદલે ૧૦૦૦ સૂચવવામાં આવ્યો છે.જ્યારે બિનરહેણાંક માટે ૧૫૦૦ ને બદલે ૧૮૦૦ આટલે કે રહેણાંક અને બિન રહેણાંક બંનેમાં  રૂપિયા ૩૦૦ નો વધારો સૂચિત કરાયો છે.

૦૪. સોલીડ વેસ્ટ કલેક્શન ચાર્જિસમાં પણ સામાન્ય વધારો સૂચવવામાં આવ્યો છે. આમ અલગ અલગ 5 હેડમાં કરાયેલ સૂચિત વધારાની આવક ૩૭.૬૫ કરોડ દર્શાવવામાં આવી છે.

આગામી વર્ષમાં શું થશે નવું…

મ્યુ. કમિશ્નર બારડે આજે રજૂ કરેલ બજેટમાં સૂચિત કર વધારાઓ તો છે, ઉપરાંત આવનાર વર્ષમાં વિકાસના કામો પણ પુરપાટ ઝડપે દોડશે તેવો દાવો કરવામાં આવ્યો છે, જેમાં શહેરમાં એક નવું ઓડીટોરિયમ, એરફોર્સ રોડને જોડતો રેલ્વે ઓવરબ્રિજ, રાજકોટ રોડ પર નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, પમ્પિંગ સ્ટેશનોની મશીનરીનું રિપ્લેસમેંટ વગેરે કામો પણ આવરી લેવામાં આવ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.