સામેથી આવતા ટ્રકે કારને મારી ટક્કર, 4 યુવકોના મોત

ગતરાત્રીના અહી બની છે આ ઘટના જાણો વધુ વિગત 

સામેથી આવતા ટ્રકે કારને મારી ટક્કર,  4 યુવકોના મોત

Mysamachar.in-ભરૂચ:

રાજ્યમાં દિનપ્રતિદિન ગમખ્વાર અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે.અને લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિક સપ્તાહ સહિતની જાગૃતિ ઝુંબેશો નર્યા નાટક પુરવાર થઇ રહી છે, આવી જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ભરૂચ જીલ્લામાં સામે આવી છે, જ્યાં કાળમુખા ટ્રકે કારને એવી તો ટક્કર મારી કે ચાર યુવકોના જીવનદીપ બુઝાઈ ગયા....

આ અંગેની વિગતો એવી છે કે ભરૂચના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ ના સુડી ગામના એક જ ફળિયાના ચાર યુવાનો મુસ્તકીમ દીવાન, સાકીર પટેલ, ઓસામા પટેલ અને મહંમદ પટેલના મોતને પગલે ગામમાં માતમ છવાયો છે.

હાઈવા ટ્રક GJ 16 AW 0093 અને અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અલ્ટો કારમાં સવાર ચાર આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતું. જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની વિધિ હાથ ધરી ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો હતો.

બનાવની પોલીસ ફરિયાદ ઉપર નજર કરીએતો ટ્રક નંબર GJ 16 AW 0093 ના ચાલકે જંબુસરથી ભરૂચ રોડ સીંગલ પટ્ટી રોડ હોવાનું જાણવા છતા પોતાના હાઇવા ટ્રકને રોન્ગ સાઇડ  ઉપર હંકારી સામેથી આવતી અલ્ટો કાર નંબર GJ 16 DC 7408 ની સાથે અથડાવી અલ્ટોમાં ચારેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચાડી તેઓના મોત નિપજાવી ટ્રક મૂકી નાસી ગયો હોવાનું નોંધવામાં આવ્યું છે.