દીવાલ ધરાશાયી થતા 8 દબાયા, 4 બાળકોના મોત
તમામ બાળકોની ઉમર 5 વર્ષની અંદર કેવી રીતે અને ક્યાં બની ઘટના વાંચો

Mysamachar.in:પંચમહાલ
તાજેતરમાંજ જામનગરના સાધનાકોલોની વિસ્તારમાં ત્રણ માળિયું મકાન ધરાશાયી થતા દબાઈ ગયેલ આઠ લોકો પૈકી ૩ લોકોના મોત થયાની ચર્ચાઓ ચોમેર ચાલી રહી છે ત્યાં જ આજે વધુ એક દુર્ઘટના પંચમહાલના હાલોલમાં સામે આવી છે, હાલોલ જીઆઈડીસી ખાતે દીવાલ ધરાશાયી થઈ હતી. જે દિવાલ ધરાશાયી થતા 8 લોકો દબાયા હતા. જેમાં 4 માસુમ ભુલકાઓના મોત નિપજ્યા છે. આ તમામ લોકો મધ્યપ્રદેશથી હાલોલ ખાતે કામ કરવા આવ્યા હતા. હાલ 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખાતે ખસેડાયા છે.
જે રીતે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે મુજબ હાલોલ જીઆઇડીસીમાં દીવાલ ધરાશયી થતા ચાર બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો 5 વર્ષથી નીચેની વયના છે. મધ્ય પ્રદેશથી આવેલા બાળકો અને પરિવારજનો દિવાલને અડી ઝૂંપડું બાંધી તેમાં વસવાટ કરતા હતા. દીવાલ ધરાશયી થઈ તે સમયે તમામ પરિવારજનો ઝુંપડામાં હતા. અચાનક આ તોતિંગ દીવાલ તૂટી પડી હતી. દીવાલને અડીને કેટલાક ગરીબ પરિવારો ઝૂપડુ બાંધીને રહેતા હતા. દિવાલ અચાનક ધસી પડી હતી, જેથી આ પરિવારોને ત્યાથી નીકળવાનો સમય મળ્યો ન હતો. આ સમયે ત્યાં રહેલા પરિવારો દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દીવાલના કાટમાળ નીચે દટાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ 4 બાળકોના જીવ આ દુઃખદ ઘટનામાં ગયા હોવાનું સામે આવી રહ્યું છે.