Mysamachar.in-ગાંધીનગર
આજના સમયમાં પ્રદુષણએ મોટો પ્રશ્ન છે, જેમ-જેમ વાહનોની સંખ્યા વધતી જાય તેમ તેમ ધ્વની, વાયુ, સહિતના પ્રદુષણસતત વધી રહ્યા છે, એવામાં છેલ્લા કેટલાક સમયથી CNG વાહનો પર રાજ્યસરકાર વધુ ભાર મૂકી રહી છે, CNG ને કારણે પેટ્રોલ ડીઝલથી સસ્તું ઇંધણ તો વાહનચાલકને મળી જ રહે છે સાથે પ્રદુષણની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં CNG વાહનોનું યોગદાન પણ રહે છે, એવામાં રાજ્યસરકાર પણ આ મામલે સતત પગલા લેતી હોય છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં પર્યાવરણ સુરક્ષા સાથે પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીનો વ્યાપ વિસ્તારવા CNGની વાહનચાલકોને સરળતાએ CNG ઉપલબ્ધિની નવતર પહેલ કરી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યમાં CNG સહભાગી યોજના અન્વયે વધુ 164 CNG ફિલીંગ સ્ટેશન્સના લેટર ઓફ ઇન્ટેન્ટ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અર્પણ કર્યા હતા.
રાજ્ય સરકારના સાહસ ગુજરાત ગેસ કંપની દ્વારા આયોજિત આ ઇ-વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં પર્યાવરણ શુદ્ધતા જળવાઇ રહે અને પ્રદૂષણ નિયંત્રણ સાથે વિકાસની ગતિ પણ જારી રહે તેવો રાજ્ય સરકારનો સ્પષ્ટ અભિગમ છે. આ હેતુસર રાજ્યમાં CNG અને PNGનો વધુ ઉપયોગ થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યુ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગના પડકારોને ઝિલી લઇને તેની સામે ઝિરો ટોલરન્સ સાથે આપણે પર્યાવરણ સુરક્ષાના સંતુલન અને વિકાસની ગતિ જારી રાખવી છે.
ગુજરાતે CNG વાહનોનો વધુ ઉપયોગ થાય અને પ્રદૂષણ અટકે તે માટે પેટ્રોલ-ડિઝલના ઇંધણ વિકલ્પરૂપે CNGને પ્રોત્સાહન આપવાની પહેલ કરીને રાજ્યમાં CNG સ્ટેશનોનો વ્યાપ વિસ્તાર્યો છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ વિજય રૂપાણીએ કર્યો હતો. ગુજરાતમાં 23 વર્ષમાં 542 CNG સ્ટેશન હતા તેની સામે પાછલા બે જ વર્ષમાં 384 CNG સ્ટેશન્સ આપણે કાર્યરત કર્યા છે. CNG સહભાગી યોજના શરૂ કરી ત્યારે 300 CNG સ્ટેશન શરૂ કરવાના લક્ષ્યાંક સામે આજે લક્ષ્યાંકથી પણ વધુ એટલે 384 સ્ટેશન્સ રાજ્યમાં થયા છે. સમગ્ર દેશમાં 2300 CNG ફિલીંગ સ્ટેશન્સ સામે એકલા ગુજરાતમાં 690 એટલે કે કુલ CNG સ્ટેશનના 30 ટકા CNG સ્ટેશન્સ છે.
વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં વધુને વધુ CNG સ્ટેશન્સ શરૂ કરીને કયાંય કોઇ વાહનધારકને CNG માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું જ ન પડે તેવી સ્થિતીનું આપણે નિર્માણ કરવું છે. મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં રાજ્યભરમાં 900 CNG સ્ટેશન્સ કાર્યરત કરવાનો લક્ષ્યાંક તબક્કાવાર પાર પાડવાની પણ નેમ વ્યકત કરી હતી. તેમણે ગુજરાત ગેસ કંપની લિમિટેડ અને સાબરમતી ગેસ લિ.ને આ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને કેપેસિટી બિલ્ડીંગ માટે આયોજન ઘડી કાઢવા પણ સૂચન કર્યુ હતું.