500 ની રદ થયેલી 36 લાખની નોટ સાથે પોલીસે 3 ને ઝડપ્યા 

મારું સેટિંગ છે કહીને 12 ટકા કમીશનમાં લીધી હતી નોટો 

500 ની રદ થયેલી 36 લાખની નોટ સાથે પોલીસે 3 ને ઝડપ્યા 

Mysamachar.in-રાજકોટ:

વધુ એક વખત ઝડપાઈ છે જૂની ચલણીનોટો નો જથ્થો, કેન્દ્ર સરકાર દ્વારા 2016માં રૂ.500 અને રૂ.1 હજારના દરની ચલણી નોટો રદ કરવામાં આવી છે. તેમ છતાં રદ થયેલી લાખો રૂપિયાની નોટો સમયાનતરે ક્યાંક ને ક્યાંક થી પોલીસને હાથ પકડાઇ રહી છે. ત્યારે નોટબંધીના ચાર વર્ષ પછી પણ રાજકોટ પોલીસને હાથ વધુ એક વખત આવી જૂની ચલણીનોટો લાગી છે,રાજકોટ પોલીસે આજી ડેમ ચોકડી નજીક રામપાર્ક પાસેથી બાતમીના આધારે મૂળ જસદણના અને હાલ રામપાર્ક-3માં રહેતા હરેશ જેશંગભાઇ ચાવડા, તેનો પિતરાઇ ભાઇ દિલીપ બાઘાભાઇ ચાવડા અને મૂળ ધોરાજીનો અને હાલ વાવડીમાં રહેતા મેહુલ ઉર્ફે મૌલિક લાલજીભાઇ બાબરિયાને રૂ.500ના દરની રદ થયેલી રૂ.36 લાખની નોટ સાથે ઝડપી લીધા છે.


ડ્રાઇવિંગ કામની સાથે ખેતીકામ કરતા હરેશ ચાવડાએ હાલ કામધંધામાં મંદી હોય તેની પાસે રૂ.500ના દરની 36 લાખની રદ થયેલી નોટ હોવાની તેના મિત્ર મેહુલ ઉર્ફે મૌલિકને ત્રણ દિવસ પહેલા વાત કરી હતી. જેથી મેહુલ ઉર્ફે મૌલિકે પોતાને સેટિંગ હોવાનું કહી રદ થયેલી નોટ વટાવી આપશેનું કહ્યું હતું. દરમિયાન નક્કી થયા મુજબ, શનિવારે હરેશ અને મૌલિક ભેગા થતા મૌલિકે રદ્દીનોટ લઇ આવવા કહ્યું હતું. જેથી હરેશે તેના પિતરાઇભાઇ દિલીપને ઘરેથી રદ થયેલી રૂ.500ના દરની 36 લાખની નોટ લઇ આવવા કહ્યું હતું.


થોડા સમય પછી દિલીપ બાઇકમાં રદ થયેલી નોટો થેલામાં ભરીને લઇ આવતાની સાથે જ ત્રણેયને પકડી પાડ્યા હતા.ડ્રાઇવિંગ અને ખેતીકામ કરતા હરેશ પાસે આટલી બધી રદ્દી નોટો કયાંથી આવી તે અંગે કોઇ ચોક્કસ કારણ બતાવતો ન હોય તેમજ રદ થયેલી નોટો અન્ય કોઇની છે કે કેમ તે અંગે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જ્યારે ડ્રીપ ઇરિગેશનનું સેટઅપ કરી આપવાનું કામ કરતો મેહુલ ઉર્ફે મૌલિક કોની પાસે રદ થયેલી નોટ વટાવવાનો હતો તે અંગે પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હરેશને રદ થઇ ગયેલી 36 લાખની રદ નોટો વટાવી આપવા બદલ મેહુલ ઉર્ફે મૌલિકને 12 ટકા કમિશન મળવાનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીની સાથે અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.