ફરજ પર હાજર થવા શિક્ષિકા પાસેથી 1 લાખ લેતા 3 ઝડપાયા 

આ ત્રણેય શિક્ષણ જગતની આબરુને લગાડ્યો બટ્ટો 

ફરજ પર હાજર થવા શિક્ષિકા પાસેથી 1 લાખ લેતા 3 ઝડપાયા 

My samachar.in:પંચમહાલ

પંચમહાલ જિલ્લાના કાલોલમાં આવેલી શ્રીમતી સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ તથા એમ.જી.એસ.હાઇસ્કૂલમાં નવનિયુક્ત શિક્ષિકા પાસેથી એક લાખની લાંચ લેતા શાળાના ઉપપ્રમુખ, મંત્રી અને શિક્ષકને વડોદરા એસીબીએ ઝડપી પાડ્યા છે.શિક્ષણ સહાયક સરકાર તરફથી સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ કાલોલ જી-પંચમહાલ ખાતે શિક્ષિકાની નિમણૂક ઓર્ડર થયો હતો. જે ઓર્ડરના આધારે શિક્ષિકા કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સ્કૂલ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ ખાતે ફરજ ઉપર હાજર થયા હતા. જેથી મંડળના ઉપ પ્રમુખ જયંતકુમાર રતિલાલ મહેતા અને શાળાના મંત્રી વિરેન્દ્ર પ્રવિણચન્દ્ર મહેતાએ શિક્ષિકા પાસે ડોનેશન તરીકે પ્રથમ 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

જેથી શિક્ષિકાએ કંઇક ઓછુ કરવા વિનંતી કરતાં વાત એક લાખ રૂપિયા સુધી આવી હતી. સાથે શાળાના શિક્ષક કિરણસિંહ અનોપસિંહ પુવારે પણ લાંચની રકમ આપી દેવા દબાણ કર્યું હતુ.શિક્ષિકા લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરતાં નવનિયુક્ત શિક્ષિકાએ શિક્ષક કિરણસિંહ પવારનો સંપર્ક કરતા તેઓએ ઉપપ્રમુખ જયંતકુમાર રતિલાલ મહેતાની સાથે વાત કરી લાંચની રકમ એમ.જી.એસ. હાઇસ્કૂલ કાલોલ ખાતે બોલાવ્યા હતાં. જ્યાં ઉપપ્રમુખ જયંતકુમારે એક લાખની રકમ સ્વીકારી હતી અને મંત્રી વિરેન્દ્ર મહેતાને પૈસા આવી ગયાની જાણ કરી હતી. આમ ત્રણેય આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. ત્રણેય આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.