સગીરાને 7 માસનો ગર્ભ, મંગેતર સહીતના શખ્સોએ દુષ્કર્મ આચર્યું

મદદગારી કરનાર 2 મહિલા સામે પણ પંચકોશી બી ડીવીઝનમાં ગુન્હો નોંધાયો 

સગીરાને 7 માસનો ગર્ભ, મંગેતર સહીતના શખ્સોએ દુષ્કર્મ આચર્યું
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગરમાં વધુ એક સગીરા મંગેતર સહિતના ત્રણ શખ્સોના હાથે પીંખાઇ ચુક્યાની ઘટના સામે આવી છે.મામલો સગીરાને 7 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યા બાદ  પંચકોશી બી ડીવીઝનમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુનામાં આરોપીઓને બે મહિલાઓએ પણ મદદગારી કરી હોય પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો છે.જાણવા મળતી વિગત મુજબ જામનગર શહેરમાં રહેતી સગીરાની મરજી વિરુધ્ધ પૈસાની લાલચ આપી શારીરીક સબંધ બાંધી ગર્ભ રાખી દીધાનું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો, સગીરાને તેના મંગેતર સહીત ત્રણ જેટલા શખ્સોએ લાલપુર ચોકડી, નાનકપુરી, સાધના કોલોની જેવા જુદા જુદા વિસ્તારો અને અલગ અલગ સમયે લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું,ભોગ બનનાર દ્વારા 3 થી 4 શખ્સોના ટુંકા નામ આપવામાં આવ્યા છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુન્હો નોંધાયા બાદ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ  પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ સી.એમ.કાંટેલિયા સહિતની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી પૈકીના અક્રમ જુણેજા, સુનીલ રાઠોડ, રજીયા ખીરા અને લતા પાટીલને પોલીસે ઝડપી પાડ્યા છે.જયારે અન્ય એક શખ્સ ફરાર છે. એક વર્ષ સુધી વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે પંચકોશી પોલીસ સ્ટેશનમાં 376-2,506-2,114 અને પોકસોની કલમ 4,6,17 મુજબ ગુનો નોંધી ફરિયાદ નોંધાઈ આ સામુહિક દુષ્કર્મ પ્રકરણમાં પોલીસે મદદગાર બે મહિલાઓ સહિતના સામે ગુનો નોંધ્યો છે.પ્રાથમિક પોલીસ તપાસમાં બંને મહિલાઓ અન્ય આરોપીઓને જગ્યા સહિતની સવલત પુરી પાડતી હોવાનુ બહાર આવ્યુ છે.