અરેરાટી: દ્વારકા જઈ રહેલાં 3 પદયાત્રીઓના કાર હડફેટે મોત  ! 

તમામ મૃતકો મોરબીના હોવાનું આવ્યું સામે

અરેરાટી: દ્વારકા જઈ રહેલાં 3 પદયાત્રીઓના કાર હડફેટે મોત  ! 

Mysamachar.in-જામનગર:

બુધવારે રાત્રે એક નબીરાની કારે નાની બાણુંગાર નજીક એક ઘાતક અકસ્માત સર્જી એક દંપતિને ખંડિત કરી નાંખ્યું છે અને બીજી તરફ અન્ય એક ઘાતક અકસ્માતમાં નાની ખાવડી નજીક ચાર પદયાત્રીઓ પર ચઢી ગયેલી એક બેકાબૂ કારે ચાર પૈકી ત્રણ પદયાત્રીઓને કાળનો કોળિયો બનાવ્યા છે. આ ગમખ્વાર અકસ્માત આજે વહેલી સવારે છ વાગ્યે બન્યો છે.

પડાણા પોલીસે જાહેર કરેલી વિગતો અનુસાર, મોરબીથી આશરે 25-30 પદયાત્રીઓનો સંઘ દ્વારકા યાત્રાધામ તરફ જઈ રહ્યો હતો. આ સમયે ચાર પદયાત્રીઓનો એક સમૂહ મોટી ખાવડી નજીકના ગાગા ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે એક ધસમસતી બ્રેઝા કાર આ ચાર પદયાત્રીઓ પર ફરી વળી હતી, સવારે છ વાગ્યા આસપાસ બનેલા આ ભયાનક અકસ્માતમાં ચાર પૈકી ત્રણ પદયાત્રીઓને કારે એટલી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી કે આ ત્રણ પદયાત્રીઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજયા હતાં.

 

આ અકસ્માતમાં કાળનો શિકાર બનેલાં ત્રણ પદયાત્રીઓના નામો રમેશભાઈ ચતુરભાઈ ભાડજા(55), પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા(37) અને કરશનભાઈ ભગવાનજીભાઈ ભાડજા(65) હોવાનું પોલીસે જણાવ્યું છે. આ અકસ્માતમાં ઈજાઓ પામેલાં પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરિયાને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘાતક અકસ્માત સર્જનાર બ્રેઝા કારના નંબર GJ-02-DM-5918 જાહેર થયા છે. પડાણા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માત્ર 12 કલાકના ટૂંકા સમયગાળામાં જામનગર આસપાસના બે હાઈવે રાજકોટ રોડ અને દ્વારકા રોડ પર સર્જાયેલા આ બે ઘાતક અકસ્માતમાં કુલ ચાર વ્યક્તિઓના મોત નીપજતાં સમગ્ર જામનગર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.