કલ્યાણપુર તાલુકામાં વીજશોકથી બાળકી સહીત 3 ના મોત 

વીજપોલ પર રીપેરીંગ કરતા યુવાનને બચાવવા ગયેલા અન્ય યુવાનનું પણ કરુણ મૃત્યુ

કલ્યાણપુર તાલુકામાં વીજશોકથી બાળકી સહીત 3 ના મોત 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર પંથકમાં ગઈકાલે સોમવારે ઈલેક્ટ્રીક વીજ કરંટના કારણે અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે.પ્રથમ બનાવ ગઈકાલે બપોરે કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામ બન્યો હતો. ગઢકા ગામે ભરવાડ પાડા વિસ્તારમાં રહેતા ભરવાડ લખુભાઈ મછાભાઈ ચાવડા નામના 40 વર્ષીય માલધારી યુવાનની આઠ વર્ષીય પુત્રી રાજલબેન સોમવારે બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘેટા બકરા રાખવાના વાડેથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ભરવાડ સમાજની વાડી પાસે રહેલા વીજપોલ ઉપરથી જીવતો વીજવાયર તૂટીને રાજલબેન ઉપર પડતા તેણીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે રાજલ નામની આ બાળકીનું મોત નીપજ્યું હતું,

તો અન્ય એક બનાવમાં કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે રહેતા અરજણભાઈ દેવાભાઈ કાગડિયા નામના 30 વર્ષના કોળી યુવાન ગઈકાલે સોમવારે રાત્રિના આશરે પોણા નવેક વાગ્યે ઈલેક્ટ્રીક ઉપર ચડી અને રીપેરીંગ કામ કરી રહ્યા હતા તે દરમિયાન કોઇ કારણોસર અરજણભાઈને જોરદાર વીજ શોક લાગ્યો હતો. જેથી તેઓ ટી.સી.ના એંગલ પર જ ચોંટી ગયા હતા.આ બનાવ બનતા નજીક રહેલા ચાચલાણા ગામના રહીશ બાલગર હીરાગર રામદત્તી નામના યુવાન અરજણભાઈને ટી.સી. ઉપરથી ઉતારવા જતા તેમને પણ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આથી અરજણભાઈ તથા બાલગર રામદત્તીને કલ્યાણપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને યુવાનોને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.