રાજ્યના આ જીલ્લામાં એપિડેમિક ડ્રોપ્સીના કારણે 3 લોકોના મોત

શું છે અને કઈ રીતે થાય આ રોગ જાણો...

રાજ્યના આ જીલ્લામાં એપિડેમિક ડ્રોપ્સીના કારણે 3 લોકોના મોત

Mysamachar.in-બનાસકાંઠા

રાઈના છોડ સાથે દારૂડીનો છોડ ભળી જતા બનાસકાંઠા જિલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોના એપિડેમિક ડ્રોપ્સીના કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના કુંડી ગામમાં છેલ્લા દસ દિવસની સારવાર દરમિયાન એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આ મોત એપિડેમિક ડ્રોપ્સીના કારણે નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

એપિડેમિક ડ્રોપ્સી રાઈનું તેલ કાઢતા પહેલા રાઈના છોડ સાથે રાઈ જેવા જ લાગતા દારૂડી નામના જંગલી વનસ્પતિના બીજની ભેળસેળના કારણે બીમારી થાય છે. આ રોગ દરેક વયજૂથ અને સ્ત્રી-પુરુષમાં સરખા પ્રમાણમાં જોવા મળે છે. એપેડેમિક ડ્રોપ્સી મે થી લઈ નવેમ્બર માસ સુધી વધુ જોવા મળે છે. એપિડેમિક ડ્રોપ્સીના કારણે વ્યકિતના બંને પગમાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝામર અને હ્રદયની તકલીફ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં એપિડેમિક ડ્રોપ્સીના કેસ ના વધે તે માટે ખેતીવાડી વિભાગે અને ગ્રામસેવકોએ ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. ખાસ કરીને રાઈડાની લણણીનો સમય હોય ત્યારે ખેડૂતો રાઈ અને દારૂણીના છોડનો ભેદ પારખી શકે તે માટે જાગૃત કરવામા આવી રહ્યા છે.