આ જિલ્લામાં 31મી ડિસેમ્બરની મજા બગડી !

દારૂની 609 પેટી ભરેલો ટ્રક પકડાયો

આ જિલ્લામાં 31મી ડિસેમ્બરની મજા બગડી !

Mysamachar.in-રાજકોટઃ

31મી ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષની શરૂઆતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાથે જ કહેવાય છે કે આ દિવસે રાજ્યમાં પ્યાસીઓ બેફામ બની દારૂની મહેફિલો માણે છે. જો કે આ દિવસોમાં પોલીસ તંત્ર પણ સજ્જ થઇને પ્યાસીઓની મજા બગાડવા સંપૂર્ણ તૈયાર છે. જેના ભાગરૂપે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટની ભાગોળે 609 પેટી જેની કિંમત 29.23 લાખ થાય છે લઇને નીકળેલા ટ્રક સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

પેટ્રોલિંગ સ્ટાફને RJ 18 જીબી-0041 નંબરનો બંધ બોડીનો ટ્રક રાજસ્થાન તરફથી રાજકોટની હદમાં આવ્યો છે અને મોરબી રોડ પર ગવરીદળ તરફથી નીકળવાનો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેવો શંકાસ્પદ ટ્રક પસાર થયો કે તુરંત તેની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી, જેમાંથી રૂપિયા 29,23,200ની કિંમતની 7308 બોટલ (609 પેટી) દારૂ અને 15 લાખની કિંમતનો ટ્રક અને 10.500ના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 44,33,700નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, તથા ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર ભીખારામ પુનીયા અને દિનેશ પવારની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં પોલીસે બંને આરોપીઓના 13 તારીખ સુધી રિમાન્ડ મેળવ્યા છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે રાજસ્થાનના દિનેશ મારવાડી નામના શખ્સે રાજસ્થાનના સાંચોરથી દારૂ ભરેલી ટ્રક આપી હતી.બાદમાં વોટ્સએપ કોલથી લીંબડી અને ત્યાંથી રાજકોટ તરફ ટ્રક હંકારી જવાની સૂચના અપાઇ હતી. ત્યારબાદ જૂનાગઢનો શખ્સ દારૂ ભરેલી ટ્રક લઇ જશે તેવી સૂચના આપી હતી, પરંતુ તે પહેલાં જ તેઓ પકડાઇ ગયા હતા. હાલ પોલીસે દારૂ ક્યાં મોકલવાનો હતો, કોણે મગાવ્યો હતો તે સહિતની વિગતો બહાર લાવવા બંને શખ્સની પૂછપરછનો દોર ચાલુ રાખ્યો છે.