204 ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ નહી મળે

આવો છે મામલો

204 ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ નહી મળે

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લાની 417માંથી 204 ગ્રામ પંચાયત સફાઇ વેરો વસૂલવામાં બેદરકાર રહેતા રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના હેઠળ આપવામાં આવતી પ્રોત્સાહક રકમ અને ગ્રાન્ટથી વંચિત રહેશે. જિલ્લાની અડધો અડધ ગ્રામપંચાયતને સફાઇ વેરો વસૂલવામાં રસ ન હોય અસ્વચ્છ ગામ અને અસ્વસ્થ ગામનું ચિત્ર ઉપસ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના હેઠળ ગ્રામ પંચાયતોને સફાઇવેરાની વસૂલાતના આધારે તથા માર્કસના આધારે પ્રોત્સાહક રકમ અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.

આ માટે સૌ પ્રથમ ગ્રામ પંચાયત તા.31-3-2019ની સ્થિતિએ કરેલી સફાઇવેરાની વસૂલાત તથા અન્ય દસ્તાવેજો જિલ્લા પંચાયતમાં દરખાસ્ત કરે છે. ત્યારબાદ જિલ્લા પંચાયતની સ્વચ્છતા સમિતિની ટીમ આ દરખાસ્તની ચકાસણી કરી રાજ્ય સરકારના વિકાસ કમિશ્નરને આખરી દરખાસ્ત મોકલે છે. આ યોજના માટેના નક્કી કરેલા નિયમ મુજબ ચાલુ વર્ષે જામનગર જિલ્લાની કુલ 417માંથી 204 ગ્રામ પંચાયતે સફાઇવેરાની વસૂલાત કરી ન હોય આ યોજના હેઠળ પ્રોત્સાહક રકમ અને ગ્રાન્ટથી વંચિત રહેવાની છે.

-સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ યોજનાની પ્રોત્સાહક રકમ અને ગ્રાંટના નિયમો અને જોગવાઇ

સફાઇવેરામાં માંગણાના 50 ટકા કે તેથી વધુ વસૂલ કર્યો હશે તને વસૂલાતની ડબલ રકમ પ્રોત્સાહન તરીકે મળે અને100 ટકા વસૂલાત કરી હોય તેવી ગ્રામ પંચાયતોને વસૂલાત કરેલી રકમના 200 ટકા જેટલી પ્રોત્સાહક રકમ મળે છે.

-ગત વર્ષે પણ 417માંથી 205 પંચાયત ગ્રાંટથી વંચિત રહી હતી

જામનગર જિલ્લામાં ગત વર્ષે 417 માંથી 205 ગ્રામ પંચાયત સફાઇવેરો વસૂલવામાં બેદરકાર રહેતા સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના હેઠળ ગ્રાન્ટ કે પ્રોત્સાહક રકમથી વંચિત રહી હતી. જેમાં જામનગરની 75, ધ્રોલની 30, જોડિયાની 8, કાલાવડની 23, લાલપુરની 36, જામજોધપુરની 34 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.