બેંકમાં 200ના દરની જાલીનોટ જમા થઇ અને પગેરું રાજકોટ સુધી નીકળ્યું

પોલીસને જોઇને જાલીનોટ સહીત મુદ્દામાલનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો

બેંકમાં 200ના દરની જાલીનોટ જમા થઇ અને પગેરું રાજકોટ સુધી નીકળ્યું

Mysamachar.in-મહેસાણા:

દેશના અર્થતંત્રને ખોખલું કરવામાં ભાગ ભજવતા કેટલાક તત્વો છાશવારે જાલીનોટો છાપી અને બજારમાં ફરતી કરતા હોવાનું પોલીસની સતર્કતાથી સામે આવતું રહે છે, એવામાં  આવું જ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મહેસાણામાં પહોચેલી 200 ની ડુપ્લીકેટનોટ રાજકોટમાં છપાતી હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે, મહેસાણામાં એચડીએફસી બેંકની બ્રાંચમાં રૂ.200ના દરની 100 જાલીનોટ ધાબડી દેવાયા બાદ આ મામલે તપાસ થતા રાજકોટના બે શખ્સ જાલીનોટ છાપી બજારમાં વહેતી કરતા હોય પોલીસે બંનેને ઝડપી લીધા હતા.

મહેસાણામાં પ્રભુ કોમ્પ્લેક્સમાં આવેલી એચડીએફસી બેંકની બ્રાંચમાં ગત તા.30ના બેંકના બે ગ્રાહકોએ પોતાની પેઢીના ખાતામાં રકમ જમા કરાવી હતી જેમાં રૂ.200ના દરની 100 નોટ જાલી હોવાનું ખુલ્યું હતું. આ અંગે બેંકના બ્રાંચ મેનેજર હેમંત પંડ્યાએ મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા બેંકમાં રકમ જમા કરાવવા ગયેલા નરેન્દ્ર ચૌધરી અને કેશવલાલ પટેલને બોલાવી પૂછપરછ કરતાં તેમણે આ નોટ બહુચરાજીના બાબુ પટેલે મોક્લ્યાનું ખુલ્યું હતું. પોલીસે બાબુ પટેલને સકંજામાં લઇ પૂછપરછ કરતાં રાજકોટ સુધી તપાસ લંબાઇ હતી.

જે બાદ મહેસાણા પીઆઇ સોઢા સહિતની ટીમ બુધવારે રાજકોટ ખાતે પહોચી હતી અને ભક્તિનગર સર્કલ વિસ્તારમાંથી સાગર સુરેશ ખીલોસિયા અને રૈયા ચોકડી પાસેથી દીપક કારિયાને ઝડપી લીધા હતા. મહેસાણામાં તપાસ દરમિયાન અમરેલીના સસિયા ગામના મગન શેઠનું નામ ખૂલતા મગનને ઉઠાવી લીધો હતો, અને મગને જાલીનોટ રાજકોટના દીપક કારિયાએ આપ્યાની કબૂલાત આપી હતી. મગન અને સાગર પ્રિન્ટર અને કમ્પ્યૂટર સહિતની વસ્તુઓ લઇને દીપક કારિયાના ઘરે જતા હતા અને દીપક કારિયાના ઘરમાં રૂ.200ના દરની જાલીનોટ છાપવામાં આવતી હતી.

મહેસાણામાં જાલીનોટ પકડાઇ ગયાની અને ગુનો નોંધાયાની જાણ થતાં દીપક કારિયાએ પોતાના ઘરમાં રહેલી રૂ.200ના દરની 100 જાલીનોટ સળગાવી નાખવાની કોશિશ કરી હતી, પોલીસે સળગાવેલી તે નોટના અવશેષો પણ પુરાવા રૂપે જપ્ત કર્યા હતા. રાજકોટના દીપક કારિયા અને સાગર ખીલોસિયાએ રાજકોટમાં પણ રૂ.200ના દરની જાલીનોટ બજારમાં વહેતી મૂકી દીધી હોવાની શંકા સેવાઇ રહી છે.