લોકઅપમાં ના રાખવા 2 પોલીસકર્મીઓએ 50 હજાર માગ્યા

પણ એસીબીને હાથ આવી ગયા

લોકઅપમાં ના રાખવા 2 પોલીસકર્મીઓએ 50 હજાર માગ્યા

Mysamachar.in:અમદાવાદ 

સરકાર ભલે ગમે તેટલા દાવાઓ કરે પણ રાજ્યમાંથી ભ્રષ્ટાચાર ઓછો થવાનું નામ લેતો નથી, મોટાભાગની સરકારી કચેરીઓમાં પ્રસાદ ધર્યા વિના કામ કરાવવું અરજદારો માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. રાજ્યના મેટ્રોસીટી અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ મથકના બે પોલીસકર્મીઓ લાંચ લેતા રંગેહાથ એસીબીને છટકામાં ઝડપાઈ જતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે.ફરિયાદીની વિરુદ્ધની અરજી તપાસમાં તેને લોકઅપમાં નહીં મુકવા તેમજ બારોબાર કોર્ટમાં રજૂ કરવા માટે લાંચની રકમ માંગતાં એસીબીએ ટ્રેપ કરી છે. એસીબી દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહ ડાભી અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલાની લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી છે.

એસીબીના ફરિયાદીની વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પૈસાની લેવડ દેવડ બાબતેની અરજી થઇ હતી. જે અરજીની તપાસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા પાસે હતી. જ્યારે રવીન્દ્રસિંહ ડાભી તેમના રાઇટર તરીકે ફરજ બજાવતા હતાં. જેથી ફરિયાદી વિરુદ્ધની અરજીની તપાસના કામે ફરિયાદી વિરુદ્ધ સી.આર.પી.સી કલમ 151 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. ફરીયાદીને લોકઅપમાં નહીં મુકવા તેમજ બારોબાર કોર્ટમાં રજુ કરવા માટે આરોપીઓએ ફરીયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. આં મામલે એસીબીને જાણ કરતાં એ.સી.બી દ્વારા ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીબીએ ગોઠવેલ જાળમાં બે લાંચિયા બાબુઓ ઝડપાઈ જતા અમદાવાદના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.