એક જ નંબરના 2 એકટીવા, એકને બદલે મેમો બીજાને મળતા તંત્રની ભૂલ છતી થઇ

તંત્રની ભૂલનો ભોગ કોઈક બને આ તે કેવું..?

એક જ નંબરના 2 એકટીવા, એકને બદલે મેમો બીજાને મળતા તંત્રની ભૂલ છતી થઇ

Mysamachar.in-વડોદરા

આપને ત્યાં સરકારી તંત્ર ઘણીવાર કાચું કાપી નાખતું હોય છે, અને તેનો ભોગ કોઈને બનવાનો વારો આવે છે, તમે ક્યારેય એક સરખી ગાડીના એક સરખા જ નંબર જોયા છે...આવો કિસ્સો વડોદરામાં ત્યારે સામે આવ્યો જયારે દંડનો ઈ-મેમો મળ્યો....અને જે બાદ વડોદરા શહેરમાં એક જ નંબરની બે એક્ટિવા ફરી રહી હોય તેવું પ્રકાશમાં આવ્યું છે, એક જ નંબરના બે ટુ-વ્હિલર ફરી રહ્યા હોવાથી શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા માસ્ક ન પહેરનાર વ્હાઇટ કલરના ટુ-વ્હિલર ચાલકને બદલે માસ્ક પહેરનાર બ્લેક કલરના ટુ-વ્હિલર ચાલકને રૂપિયા એક હજારના દંડનો ઇ-મેમો ફટકારતા વિવાદ સર્જાયો છે.

જે રીતે વિગતો જાણવા મળી રહી છે તે પ્રમાણે ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયેલા ચિરાગભાઇ પટેલની પત્ની દર્શનાબહેન પટેલ પાસે બ્લેક કલરની એક્ટિવા છે. તેઓ પોતાની એક્ટિવા લઇને 21 ઓગસ્ટના રોજ શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરદાર મંદિર સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમિયાન તેઓના ઘરે પોલીસ તંત્ર દ્વારા માસ્ક ન પહેરવા બદલ રૂપિયા એક હજાર રૂપિયાનો દંડ ફટકારતો ઇ-મેમો આવ્યો હતો. ઇ-મેમો જોઇને દંપતી ચોંકી ઉઠ્યું હતું. દર્શનાબહેન જ્યારથી ફરજિયાત માસ્ક પહેરવાનું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે, ત્યારથી તેઓ માસ્ક પહેરીને જ ઘરની બહાર નીકળે છે. તેમ છતાં, તેઓને ઇ-મેમો આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા.

દરમિયાન ચિરાગભાઇ પટેલે પત્નીના નામના મળેલા ઇ-મેમો અંગે ટ્રાફિક બ્રાંચને જાણ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં એક જ નંબરની બ્લેક અને વ્હાઇટ કલરની એક્ટિવા શહેરમાં ફરી રહી હોવાની વિગતો બહાર આવી હતી. આ સાથે એવી પણ વિગત બહાર આવી હતી કે, ટ્રાફિક બ્રાંચે સફેદ એક્ટિવા લઇને જઇ રહેલા સગીર બાળકના ઘરે ઇ-મેમો આપવાના બદલે બ્લેક કલરની એક્ટિવા ધરાવતા ટ્રાવેલ્સ સંચાલકના માલિક દર્શનાબહેન ચિરાગભાઇ પટેલના નામનો રૂપિયા એક હજાર રૂપિયાના દંડનો ઇ-મેમો સ્પીડ પોસ્ટથી મોકલી આપ્યો હતો અને ઇ-મેમોમાં ફોટો સફેદ કલરની એક્ટિવા લઇને જતાં બાળકનો ફોટો મોકલી આપ્યો હતો. ટ્રાફિક બ્રાંચના ગંભીર છબરડાથી નારાજ થયેલા ચિરાગભાઇ પટેલ એક જ નંબરની શહેરમાં ફરી રહેલી બે એક્ટિવા બાબતે પોલીસ ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છે. પણ આ તે કેવો છબરડો તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે.