બનાવટી RC BOOK ના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, 2500 થી 3000માં વેચી દેતા

આ રીતે સમગ્ર કાંડનો થયો પર્દાફાશ

બનાવટી RC BOOK ના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, 2500 થી 3000માં વેચી દેતા

Mysamachar.in-આણંદ

આણંદ એલસીબીએ આરટીઓ એજન્ટોનું કામ કરતા બે ઇસમને ઝડપી નકલી આરસી બુકોનું રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, 4 સપ્ટેમ્બર 2021ના રોજ આણંદ એલસીબીને બાતમી મળી હતી કે ઉમરેઠના ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો આદમભાઇ વ્હોરા પાસેથી અલગ અલગ આર.ટી.ઓ.ની કુલ 16 આર.સી.બુકો મળી આવેલી. જેથી પકડાયેલી આર.સી.બુકો બાબતે ખાતરી-તપાસ કરવી જરૂરી હોઇ, જેથી જાણવા જોગ દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઝડપાયેલા ઈસમ પાસેથી મળેલી આરસી બુકોને અમદાવાદ ખાતેના આર.સી.બુક સેન્ટર, કચેરીમાં ચિપ રીડર મારફત ખાતરી-તપાસ કરાવતાં તમામ સ્માર્ટ કાર્ડ (આર.સી.બુક) ચિપમાં રહેલી માહિતી તથા કાર્ડ પર છાપેલી માહિતી અલગ અલગ હોવાનું જણાઇ આવ્યું હતું.

જે બાદ પોલીસની શંકા પ્રબળ બનતા અને આ મામલે આરોપીઓની વધુ પૂછપરછ કરતાં આ બનાવટી આર.સી. બુકો બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામે રહેતા તારીફ અબ્દુલ હમીદ માકણોજિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેથી તેની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે આ તમામ સ્માર્ટ કાર્ડ પોતાના લેપટોપમાં છાપી પ્રિન્ટરથી કોપી કાઢી રાજ્યના ઓળખીતા એજન્ટોને વેચતો હતો. એ આધારે આણંદ ટાઉન પોલીસે 8 સપ્ટેમ્બર 2021ના રોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ગુનાની તપાસ દરમિયાન બન્ને ઇસમોની સઘન પૂછપરછ કરતાં ઉમરેઠનો ગુલામ મોહંમદ ઉર્ફે ગુલો વડગામના તારીફ માકણોજિયા પાસેથી દરેક આર.સી.બુક 2500થી 3000 રૂપિયામાં મેળવેલી હોવાનું ખૂલ્યું હતું, જેથી વડગામના તારીફ માકણોજિયા ગામે પાલનપુર હાઇવે ઉપર આવેલા ગોલ્ડન પ્લાઝામાં જી-3 દુકાનમાં રેડ કરતાં 999 નંગ છાપેલી આર.સી. બુક તથા 253 નંગ અડધી છાપેલી તથા અડધી કોરી આર.સી. બુકો કુલ-1252 નંગ તેમજ પ્રિન્ટર, લેપટોપ, પેન ડ્રાઇવ તથા થિનરની બોટલ નંગ-6, પ્રિન્ટર રોલ નંગ-22, કાપડના ટુકાડા નંગ-5 તથા મોબાઇલ-2 મળી કુલ રૂ.56 હજાર 790નો મુદ્દામાલ ઝડપાયો હતો, જે પોલીસે જપ્ત લીધી છે.

ઝડપાયેલા બન્ને ઇસમો પૈકી તારીફ અબ્દુલ હમીદ માકણોજિયા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં આર.ટી.ઓ. એજન્ટ તથા વાહન લે-વેચ તરીકેનું કામ કરતો હતો. એ દરમિયાન એચ.પી. દાખલ/કેન્સલ, વાહન ટ્રાન્સફર માટે આવતી જૂની આર.સી.બુકો પોતે તથા ગુજરાત રાજ્યના પોતાના ઓળખીતા એજન્ટો પાસેથી મેળવી રાખી મૂકતો હતો. તેની સાથે એજન્ટોને નવી આર.સી.બી. બુક જે નંબરની જોઇતી હોય એ મુજબની વિગત આપતા હોય. એને આધારે પોતે છેલ્લા એક વર્ષથી આર.સી.બુકમાં છાપેલી વિગત કોરી કરી નાખી લેપટોપમાં કાર્ડપ્રેસ સોફ્ટવેરની મદદથી આર.સી. બુકની નવી વિગતો ખોટી રીતે લખી પ્રિન્ટ કરતો હતો અને દરેક આર.સી. બુક રૂ.2500થી 3000માં પોતાના મળતિયા માણસોને આપતો હતો.

આ સમગ્ર મામલે સૌથી આશ્ચર્યજનક બાબત છે કે આજદિન સુધી આ ઇસમે બનાવેલી કોઇપણ આર.ટી.ઓની આર.સી.બુક પકડાયેલી નથી અને ખોટી રીતે આર.સી.બુકો બનાવી ખરા તરીકે ઉપયોગ કરેલી છે, જે અંગેની તપાસ ચાલુ છે. જે વાહનોની લોનના હપતા ભર્યા ન હોય અને ફાઇનાન્સરો તથા સીઝરો દ્વારા સીઝ કરેલાં હોય તેવાં વાહનોની બે માસ જેટલા સમયની રાહ જોયા બાદ હરાજી કરી અન્ય ઇસમોને વેચી દેતાં હોય છે. એટલે નવી આર.સી.બુકની જરૂરિયાત પડતી હોય છે, જેથી એચ.પી. કેન્સલ પત્ર તથા વાહન નંબર સાથેની વિગત પકડાયેલા આરોપીને પૂરી પાડતા હોઈ, એ વાહનની આ રીતે નવી આર.સી.બુક બનાવી આપતો હતો. આ રાજ્યવ્યાપી બનાવટી આર.સી.બી.બુકો બનાવવાના કૌભાંડમા અત્યારસુધીમાં કેટલી આર.સી.બુક બનાવેલી છે અને કોને-કોને વેચેલી છે એ બાબતની તપાસ ચાલુ છે.