100 કલાક મોડું પરંતુ નૈઋત્ય ચોમાસાની ગતિવિધિઓ તેજ : હવામાન વિભાગ

આંદામાન નિકોબાર ટાપુઓમાં ચોમાસું શરૂ: સત્તાવાર જાહેરાત

100 કલાક મોડું પરંતુ નૈઋત્ય ચોમાસાની ગતિવિધિઓ તેજ : હવામાન વિભાગ

Mysamachar.in:અમદાવાદ

દિલમાં ટાઢક વળે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય એવાં સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હવામાન વિભાગ કહે છે : ચોમાસું 100 કલાક જેટલું મોડું થશે, એ હકીકત છે પરંતુ મહત્વની વાત એ છે કે - આંદામાન નિકોબાર ટાપુઓ પર ચોમાસું શરૂ થઈ ગયું છે અને તેની ગતિવિધિઓ સામાન્ય હોવા ઉપરાંત તેજ છે. ચોમાસું કેરળ તથા ગુજરાત સહિતનાં રાજયો તરફ આગળ વધશે.

ગુજરાત સહિત દેશભરમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે. થોડું મોડું થશે એવું પૂર્વ અનુમાન છે. પરંતુ હવામાન વિભાગ કહે છે: ચોમાસાની ગતિવિધિઓ તેજ છે. કેરળનાં દરિયાકિનારે 4 જૂને ચોમાસું ટકરાશે. નૈઋત્યનું આ ચોમાસું આંદામાન નિકોબાર ટાપુઓમાં શરૂ થઈ ગયું છે. કેરળ પહોંચવા સાથે સાથે બંગાળની ખાડીમાં પણ કેટલાંક વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે. ચોમાસાને અસર કરતાં બધાં પરિબળો હાલ નોર્મલ છે. મોચા વાવાઝોડાની થોડી અસરો જોવા મળી રહી છે. અને હજુ પણ જોવા મળશે. આમ છતાં એકંદરે ચોમાસું તેજ ગતિવિધિઓ સાથે આકાર લઈ રહ્યું છે એમ હવામાન વિભાગ કહે છે.

હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ ભારત તરફ ચોમાસું આગળ વધી શકે તે માટે જરૂરી પરિબળો હાલ હકારાત્મક છે. દેશમાં ચોમાસાનું આગમન કેરળથી થાય છે. કેરળનાં કેટલાંક વિસ્તારોમાં જોવા મળતાં પરીબળોના આધારે ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. સામાન્ય રીતે 15 મે પછી સતત બે દિવસ 4 મિમી થી વધુ વરસાદ પડે, પશ્ચિમ દિશામાંથી પ્રતિ કલાક 35 કિમી કે તેથી વધુ ગતિથી પવન ફૂંકાય, સૂર્યપ્રકાશ પૃથ્વી પર આવે અને એ રિટર્ન થતી વખતે 300 mg હોય તે ઘટીને 200 mg થઈ જાય - આ તમામ પરિબળો એકસાથે જોવા મળે પછી જ હવામાન વિભાગ નૈઋત્ય ચોમાસાના આગમન અંગે આગાહી કરે છે. હાલ આ બધી ગતિવિધિઓ તેજ છે. મોડામાં મોડું 4 જૂને (એ પહેલાં પણ જોવા મળી શકે) આ બધાં પરિબળો એકસાથે જોવા મળશે.