Mysamachar.in:જામનગર
જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત ચકચારી બનાવ બન્યો છે ! એક તાજું જન્મેલું બાળક હોસ્પિટલના મેદાનમાં, મોડી રાત્રે, કડકડતી ઠંડીમાં- ખૂલ્લામાં પડેલું મળી આવ્યું !! અને, નિર્દય માતા આ ફૂલ જેવા કોમળ બાળકને રામભરોસે છોડી ભાગી ગઈ હોવાનું જાહેર થયું ! આ પ્રકારની મહિલાને ‘માતા’ કેવી રીતે કહી શકાય ?! એ પણ સવાલ છે ! જીજી હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ અવારનવાર સમાચારોમાં ચમકે છે. ખાસ કરીને, તબીબોના હાથ નીચેનો સ્ટાફ બેજવાબદાર હોવાની સ્થિતિ ઘણી વખત ચર્ચામાં આવી જાય છે. અને, તબીબો પણ પ્રસૂતિ જેવાં ગંભીર મામલામાં, કામ પતાવી, હાથ ખંખેરી નાંખે, એ પણ આશ્ચર્ય નથી ?! નવજાત શિશુના જન્મ પછીની અમુક મિનિટ શિશુ તથા શિશુને જન્મ આપનારની સ્થિતિ સંદર્ભમાં અતિશય મહત્વની હોય છે. એ બંને જિવોની આફટર ડિલિવરી કાળજી લેવાની હોય છે. જરૂરી કામગીરીઓ કરવાની હોય છે. થોડી મિનિટો ઓબઝરવેશનમાં રાખવાનાં હોય છે. ત્યાં એટેન્ડન્ટ ફરજિયાત હોય છે. તેનાં પર તબીબની નજર આવશ્યક હોય છે. જન્મ થાય એટલે બધું જ રામભરોસે છોડી ન શકાય. પરંતુ જીજી હોસ્પિટલમાં આવું બન્યું છે !
પ્રાથમિક વિગતો મુજબ, એક બાળકનાં જન્મ પછીની દસ મિનિટ બાદ, પ્રસૂતિ ગૃહમાં કોઈની પણ નજર એ મહિલા તથા બાળક પર ન હતી ! મહિલા પોતાના બાળકને વોર્ડ બહાર લઈ જતી રહી ! અને, હોસ્પિટલના મેદાનમાં ખૂલ્લામાં, કડકડતી ઠંડીમાં, બાળક્ને રેઢું મૂકી અંધારામાં અલોપ થઈ ગઈ ! આ નિષ્ઠુર મહિલાને હવે સૌ શોધે છે !! આ મહિલા તથા બાળક વોર્ડમાંથી ગૂમ થયાં એ પણ, હોસ્પિટલમાં કોઈને ખબર ન હતી ! બહાર ખૂલ્લાં મેદાનમાં કોઈએ રેઢું બાળક જોયું ! અને, ફરીથી વોર્ડમાં પહોંચાડ્યું. ત્યાં સુધી હોસ્પિટલનો જવાબદાર સ્ટાફ તથા પ્રસૂતિ કરાવનાર તબીબી સ્ટાફ ક્યાં હતો ?! આ મહિલા માસૂમને લઈ બહાર જતી રહી ત્યારે, સ્ટાફ ક્યાં હતો ? તબીબ ક્યાં હતાં ? વોર્ડની જવાબદારી કોઈને સોંપવામાં આવી છે કે, બધું જ રામભરોસે ચાલી રહ્યું છે ?! એવાં ગંભીર અને સંવેદનશીલ સવાલો ખડાં થયા છે.
આ બાળક હાલ સલામત છે. પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. મહિલાનો પતો નથી ! આ મહિલા સાથે અન્ય એક મહિલા પણ હતી. બંને અદ્રશ્ય !! આને, સત્તાવાળાઓ ઘાંઘાવાંઘા !! આ બાળક હાલ હોસ્પિટલમાં શ્વાસ લ્યે છે. સૌ, બંને મહિલાઓને શોધે છે. અત્રે નોંધનીય છે કે, જીજી હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ ટનાટન નથી. હા, સરકારી કાર્યક્રમો જરૂર ઉજવે છે. પ્રસૂતા અને નવજાત અંગે ભાષણો અને વારતાઓ પણ ઘણી થાય છે ! પરંતુ હકીકતો, આ રીતે અવારનવાર જાહેર થઈ જાય છે. ગત્ રાત્રે બનેલાં આ બનાવે ચકચાર મચાવી છે. જવાબદારો સૌ મીડિયાનાં સવાલોથી અકળામણ અનુભવી રહ્યા છે.